Gujarati Lekhak / Gujarati Sahityakar Shri Harilal Upadhyay
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements | Feedback
Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author of all the time A quote by Late Shri Harilal Upadhyay The Book collection A list of Gujarati Novels by Late Shri Harilal Upadhyay Gujarati Books and Gujarati Sahitya
A Quote by Harilal Upadhyay
A few words about Late Shri Harilal Upadhyay A Few Words  
A Few Words About Late Shri Harilal Upadhyay
Gujarati Historical Novels by Late Shri Harilal Upadhyay Historical Novels  
Gujarati Historical Novels or Historical Novels in Gujarati by Harilal Upadhyay - The Great Gujarati Author
Gujarati Social Novels by Late Shri Harilal Upadhyay Social Novels  
Gujarati Author Late Shri Harilal Upadhyay's Social Novels or Social Novels in Gujarati
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Short Story Collections  
Gujarati Lekhak - Harilal Upadhyay
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Biographies  
Biogrphies in Gujarati by Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author
Kids Special Gujarati Literature by Late Shri Harilal Upadhyay Kids Stuff  
Children Literature in Gujarati By Great Gujarati Author - Late Shri Harilal Upadhyay
Mahabharat katha in Gujarati by the Great Gujarati Author Late Shri Harilal Upadhyay Mahabharat Katha  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
YogManjari - Mini AutoBiography of The Great Gujarati Author Late Shri Harilal Upadhyay YogManjari  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
The Last Words of  Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author The Last Words  
Gujarati Sahityakar (Gujarati Sahityakaar) Late Shri Harilal Upadhyay's Last Words
Some of the achievements of Late Shri Harilal Upadhyay Achievements  
In The Loving Memories of Late Shri Harilal Upadhyay
Some of the achievements of Late Shri Harilal Upadhyay Harilal Upadhyay
Silver Medal
 
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Media Coverage | Late Shri Harilal Upadhyay In Media...  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Research Essay  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 2  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 3  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 4  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 5  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Feedback for http://www.harilalupadhyay.com/ - Online Tribute To Late Shri Harilal Upadhyay Feedback  
Feedback for the Online Tribute To The Great Gujarati Author - Harilal Upadhyay
Sitemap for http://www.harilalupadhyay.com/ - Online Tribute To The Great Gujarati Author Late Shri Harilal Upadhyay Sitemap  
SiteMap for Online Tribute Site To The Gujarati Writer Harilal Upadhyay
A banner containing snapshots of Some of the Gujarati Novels written by The Great Gujarati Author Late Shri Harilal Upadhyay

A few words about The Great Gujarati Author Late Shri Harilal Upadhyay પ્રકરણ : ર હરિલાલ ઉપાઘ્‍યાયનું સાહિત્‍યક્ષેત્રે પ્રદાન


 
ર.૧) પ્રસ્‍તાવના :
અનેકવિધ ક્ષેત્રે સજ્જતા ધરાવતા હરિલાલ ઉપાઘ્‍યાયનાં જીવનનાં ક્‍યા પાસા અંગે લખવું એ મીઠી મુંઝવણ થાય તેવું છે. માત્ર બે ગુજરાતી ચોપડીનો અભ્‍યાસુ હૈયા ઉકલતથી એક્‍સો ઉપરાંત કૃતિઓ આપે એજ તેની વિશેષતા છે. એમના સાહિત્‍યનું વાંચન કરતા એ ખ્‍યાલ આવે છે કે આવા વ્‍યક્‍તિએ જો શહેરમાં રહી, અનેકવિધ પ્રવૃત્તિ સાથે કોઈ સંસ્‍થાઓમાં કે સાહિત્‍યિક પ્રવૃત્તિઓમાં સાથે જોડાઈને આગળ વઘ્‍યા હોત તો આજે એની વિશેષ ઓળખાણ હોત. પણ જેને પ્રસિદ્ધિનો મોહ ન હોય તેના માટે આ બધુ ગૌણ છે. એના માટે તો મા સર્જન અને સર્જનનો આનંદ એજ મુખ્‍ય છે.
કહેવાય છે કે કેટલાક વ્‍યક્‍તિઓ સમાજના વ્‍યવહારથી અલીપ્‍ત હોય છે. તેમને સમજવા માટે તેનું આંતરચિંતન જોવું જોઈએ. તેમનું સર્જન જેટલું ભાવમય છે તેવું જ તેનું જીવન છે. જયોતિષના આધારોને ટાંકતા તેઓ ઘણીવાર રહેતા કે...... "મારા યોગ જ એવા છે... અને ચાલ્‍યા કરે....... આમ જ હોય....." એવા વાક્યો અવારનવાર જીવન ફીલસૂફીના સંદર્ભમાં કહેતા હોય છે. તેઓનું બાળપણ ગામડાના એ સમયના રૂઢીવાદી સમાજમાં વિત્‍યું પણ મન તો આ બધી વસ્‍તુઓથી આગળ નીકળી જવામાં હતું. સામાન્‍ય નોકરીની ઘરેડમાં જીવન બંધાઈ જાય તે તેમને અનુકુળ ન હતું. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા સ્‍વ. હરિલાલ ઉપાઘ્‍યાયના જીવન, કવન અને તેમના સર્જક વ્‍યક્‍તિતત્‍વને ઘડનારા પરિબળોની વિશદ્‌ છણાવટ કરીએ.
 
ર.ર) હરિલાલ ઉપાઘ્‍યાયનું જીવન :
પડધરી તાલુકાના મોટાખીજડીયા ગામે તારીખઃ રર/૧/૧૯૧૬ પોષ વદી-૧ વિ.સ. ૧૯૭ર માં મોસાળમાં તેમનો જન્‍મ થયેલો. તેના માતા-પિતા ધર્મ પરાયણ જીવન જીવતા હતા. નિત્‍ય સેવા-પૂજા એજ સાચી શ્રદ્ધા એમ માનતા એમના પિતાશ્રી જાદવજીભાઈ ભોળીયાદાદાને જળનો લોટો અર્પણ કરી જીવનની શ્રમપ્રધાનતામાં જ આયખું પૂર્ણ કરી ગયા. મકાજી મેઘપરમાં આવેલ વૈજનાથદાદાની સેવાપૂજા એ જાદવજીભાઈની ભક્‍તિ હતી. પિતાજી પાસેથી પ્રભુભક્‍તિનો અમુલ્‍ય વારસો અને માતા ગંગાબેન પાસેથી અપાર વાત્‍સાલ્‍ય મળ્‍યું હતું.
હરિલાલ ઉપાઘ્‍યાયને સતત પ્રેરણા મળી હોય તેવા તેના મોટાબાપુ ભવાનીશંકર અને ફૈબા દયાકુંવરબેન સાથે રહી પડધરીમાં પ્રાથમિક કેળવણી લીધી. ત્‍યારબાદ જામનગરની રાજય સંસ્‍કૃત પાઠશાળામાં અભ્‍યાસ દરમ્‍યાન તેની કવિત્‍વ શક્‍તિ પાંગરી. આ પાઠશાળામાં તેઓ પરંપરાગત કર્મકાંડના અભ્‍યાસ અર્થે ગયા હતા. ત્‍યાં તેમનાં વિદ્યાગુરૂ ત્રંબકરામ શાસ્ત્રીએ તેમને વિશેષ પ્રોત્‍સાહિત કર્યા. જન્‍મજાત કવિત્‍વશક્‍તિના ગૂણોને લીધે અહીં એની કાવ્‍યસર્જન યાત્રા વધુ બળવત્તર બની. આજે પણ એમના નિજી સંગ્રહમાં આઠ-દશ કાવ્‍યસંગ્રહની નોંધ છપાયા વગરની હસ્‍તલખાણની નોંધપોથી પડી છે. આ સંગ્રહો એ સમયે ન છપાયા તેની પાછળનું કારણ આર્થિક મુશ્‍કેલી હતી.
આર્થિક મુશ્‍કેલીને કારણે તેઓ ઉચ્‍ચ અભ્‍યાસ તો ન કરી શક્‍યા. પાઠશાળાના અભ્‍યાસ બાદ તેઓ વતન પરત આવે છે ત્‍યાં સુધીમાં તેમની કલમથી ઘણું બધું સર્જન થયું હતું. શૈશવકાળથી જ જગત અને જીવનની ગતિવિધિ જાણવાની-જોવાની કાંઈક અનોખી રસવૃત્તિને લઈ સમાજની અને રાષ્‍ટ્રીય પ્રવૃત્તિનો પ્રત્‍યક્ષ અભ્‍યાસ કરવાની ઉત્‍કટ આકાંક્ષા, જીવનમાં કાંઈક વિશેષ કરી જવાની તીવ્રતમન્નાનો પડઘો પાડતી બાળક હરિલાલની વાતો સાંભળનારાએ પ્રોત્‍સાહન આપ્‍યા કર્યું. રાજાશાહી સત્તાના એ સમયમાં તેર વર્ષની વયે એક મેળાવડામાં સ્‍વરચિત કાવ્‍ય ગાયું. તેમને બે રૂપિયા ઈનામ મળ્‍યું. તેથી પ્રોત્‍સાહિત થઈ બે વર્ષ બાદ પંદર વર્ષની વયે પહેલી ટૂંકીવાર્તા "હૃદયપલ્‍ટો" લખી તે "મોઢબંધુ" પત્રમાં છપાઈ, એ જ વર્ષે બીજીવાર્તા "બેઘડી મોજ" નામના પત્ર માં છપાઈ પરંતુ આગળ વધી સતર વર્ષની વયે જામનગરના એક સમારંભમાં સ્‍વરચિત નાનું ગીત મધુરકંઠે રજૂ કર્યું. "ગામડુ મુજને પ્‍યારું" - કંઠમાધુર્ય અને ગીતરચના ઉપર મુગ્‍ધ થયેલા શ્રોતાઓએ ધન્‍યવાદ આપ્‍યો. એ વખતે તેમને પાંચરૂપિયા ઈનામ મળ્‍યું. એ (૧૯૩૬ થી ૧૯૪ર) અરસામાં વડીલોના સંબંધી, વિદ્વાન ચારણોનો પરિચય ગાઢ બન્‍યો. હરિલાલ ઉપાઘ્‍યાયની વાત કરવાની કળા-કુશળતા ઉપર મુગ્‍ધ થયેલા ચારણ કવિ કૃષ્‍ણદાને માનવજીવનના તેજ-તિમિરની સંખ્‍યાબંધ વાતો કરી ઈતિહાસ તેમજ લોકજીવનનો પરિચય આપ્‍યો. તેઓ જ્યારે પાઠશાળાનો અભ્‍યાસ કરી વતન મકાજી મેઘપરમાં પાછા ફરે છે. ત્‍યારે એમના પિતાજી જે કાર્ય કરતા હતા તેમાં એમનું મન જરાય ચોટતું નહીં. કારણ કે તેઓ સ્‍વભાવે અકિંચન વૃત્તિ ધરાવતા હતાં. તેનું ચિત્ત હંમેશા કંઈક નવું કરવા તડપતું હતું. તેના મોટાબાપુ ભવાનીશંકર અદા સારા કિર્તનાચાર્ય તથા હરિકથા અને કથાવાર્તાના બહુશ્રુત વિદ્વાન હોવાથી હાલારના તથા સૌરાષ્‍ટ્રના અનેક નાના રજવાડાઓના દરબારગઢમાં કથાવાર્તા કરવા જતા તેમની સાથે લેખક પોતે પણ જતા અને ધીમે-ધીમે રાગ-રાગિણી તેમજ કાવ્‍ય રજૂઆત, ભક્‍તિ પરંપરાના કેટલાક પ્રસંગોની રજૂઆત, શૈલીની શીખ મોટાબાપુ પાસેથી મેળવી.
આ ઉપરાંત તેમની બીજી વિશેષતા એ હતી કે તેઓ કુશળ ગાયક, હાર્મોનિયમવાદક, તબલાવાદક, જયોતિષકાર, ભાગવતકથાકાર, ઉત્તમ ફોટોગ્રાફર વગેરે કુશળતા તેમનામાં હતી. રાગ રાગિણી તથા ગીત-ગાયન કળામાં એટલા માહિર હતા કે પોતાની રીતે જ ગીતની તર્જ બાંધતા આજે પણ પોતે રચેલ રચનાઓની આઠ ગ્રામોફોન રેકર્ડ તેમના વારસદારોએ સાચવી રાખવાનો અદમ્‍ય પુરૂષાર્થ કરેલો છે.
હરિલાલ ઉપાઘ્‍યાયનું જીવન ઉન્‍નત અને ભાવનામય હતું. કંઈક નવું-નવું શોઘ્‍યા કરવું તેઓ સતત પ્રવૃત્તિશીલ જ રહેતા. મોટા જાગીરદારની ડેલીએ મળતા ડાયરામાં ફર્યા અને ઢગલાબંધ ઘટના પ્રધાન વાતો, કાવ્‍યો અને લોકસાહિત્‍યની નોંધ કરી. લોકજીવનનાં આ પ્રત્‍યક્ષ પરિચય સર્વશ્રેષ્ઠ અભ્‍યાસ અને જ્ઞાનપ્રાપ્‍તિ હતા. અભ્‍યાસ છોડયાં પછી રાજકોટના વિખ્‍યાત દેશભક્‍ત વજુભાઈ શુક્‍લનો પ્રેમ મળતાં દેશ અને દુનિયાનાં રાજકારણનો અભ્‍યાસ કરવાની તક મળી. રપ વર્ષની વયે તેઓ કાવ્‍ય, વાર્તાઓ લખવામાં આગળ વઘ્‍યા કર્યા. સાહિત્‍ય જ જીવનરસનું સર્વસ્‍વ બની ગયું હોય તેવા મિજાજ સાથે પાંચસો પંક્‍તિતનું ‘તાન્‍યા' નામે વીરરસનું કાવ્‍ય લખ્‍યું તે કાવ્‍ય વજુભાઈ શુક્‍લ મુંબઈ લઈ ગયા. કાવ્‍ય ઉપર આકર્ષાયેલા મુંબઈના પત્રકાર અમૃતલાલ શેઠે હરિલાલને મુંબઈ બોલાવ્‍યા. "જન્‍મભૂમિ" પત્ર ના સ્‍થાપક તંત્રી અમૃતલાલ શેઠ પોતે પણ ખાસ કરીને લોકસાહિત્‍યના રસિક હતા. તેઓએ મુંબઈના અતિવિશાળ સાહિત્‍યજગત તથા સાહિત્‍યકારોનો પરિચય કરાવ્‍યો. ત્‍યાંની કેટલીએક સંસ્‍થાઓએ એમને સાંભળ્‍યા અને ગાઢ મિત્ર બનેલા એક મહાનુભાવે ગુજરાતની અસ્‍મિતાના સ્‍વપ્‍નસેવી મુર્ધન્‍ય સાહિત્‍યકારને દેશનેતા કનૈયાલાલ માણેકલાલ મુનશીનો પરિચય કરાવ્‍યો તે ફળ્‍યો. હરિલાલ ઉપાઘ્‍યાય મુંબઈવાસી બન્‍યા અને મુનશીના અનુરોધથી પહેલો વાર્તાસંગ્રહ "જીવનછાંયા" પ્રસિદ્ધ થયો. આ સંગ્રહની પ્રસ્‍તાવના લીલાવતીબેન મુનશીએ લખી આપી છે.
ત્‍યારબાદ હરિલાલ ઉપાઘ્‍યાય પડધરી અને હાલાર પંથકમાં તેનો ઈતિહાસ મેળવવા પ્રયત્‍નો કર્યા. જેની વાત "સોરઠી રસગાથા ભાગ-૧,ર" માં આપે છે. પોતાની જન્‍મભૂમિ મોટા ખિજડીયાની વાત "ઓતરાદા વાયરા ઉઠો ઉઠો" માં લખી છે. મુંબઈમાં સમયની મર્યાદામાં જે સર્જન થવું જોઈએ તે પ્રક્રિયા રૂંધાતી લાગી. તેથી પોતાના વતન પડધરીમાં આવી આશરે ૧૯પપ માં પડધરીના ઈતિહાસ અને પુરાતત્વની દૃષ્‍ટિએ સંદર્ભો મેળવવાનું શરૂ કર્યુ. જે તેને ઐતિહાસિક નવલકથા લખવા માટે સામગ્રી પુરી પાડે છે. પડધરીના ઈતિહાસને કંડારવા માટે સતત બે ત્રણ વરસ સુધી કાર્ય કરી દળદાર કૃતિ "પડતા ગઢના પડછાયા" લખે છે.
એ સમય દરમિયાન હરિલાલ ઉપાઘ્‍યાય તેમના સંતાનોના અભ્‍યાસ અર્થે પડધરીમાં આવીને વસે છે. ગ્રામ્‍યવિસ્‍તારમાં નહિવત્ સવલતના કારણે ત્‍યાં હરિલાલ ઉપાઘ્‍યાયે તેમના પૂત્ર અને પૂત્રીનો અભ્‍યાસ પ્રારંભ કર્યો. હરિલાલભાઈને હર્ષદભાઈ, હેમંતભાઈ, યશવંતભાઈ, સતીષભાઈ એમ ચાર પૂત્રો અને વિજયાબેન અને મંજુલાબેન-બે પુત્રીઓ હતી. હરિલાલભાઈએ મોટી દીકરી વિજયાબેન તથા મંજુલાબેનના લગ્ન મકાજી મેઘપરમાં ઉજવ્‍યા. હરિલાલભાઈએ પોતાની દીકરીને કરિયાવર તો આપ્‍યો પરંતુ એકવર્ષ સુધી સતત કલમ ચલાવી તેમના જીવનમાં ઉપયોગી થાય તેવી ઉત્તમ કૃતિ હસ્‍તપ્રતમાં કરિયાવર તરીકે આપી. આ પ્રસંગ ખરેખર સમાજિક દૃષ્‍ટિએ નોંધનીય ગણી શકાય.
પડધરીના વસવાટ દરમિયાન સાહિત્‍ય સર્જન ઉપરાંત એ ગામમાં વાલીમંડળના પ્રમુખ અને સ્‍થાપક તરીકે સેવા આપી તેમજ ભારતીય સંસ્‍કૃતિને બળવતર બનાવે તેવી પ્રવૃત્તિ માટે શાસ્‍ત્રી રેવાશંકર બેચરભાઈ સાથે રહીને વૈદિક પ્રવૃત્તિ, વેદમંદિરની પ્રવૃત્તિ, પ્રગટેશ્વરમાં કથાવાર્તાની પ્રવૃત્તિ, તેમજ જાહેરજીવનની સાંસ્‍કૃતિક, સામાજિક વગેરે પ્રવૃત્તિઓ કરી.
ઈ.સ. ૧૯૬૩ થી તેઓ વિશેષ કરીને "કિસ્‍મત" માં "અગમ્‍યવાદ", "રંગલો અને રંગડાયરો", "ઐતિહાસિક સ્‍થાનો", "પૂરાતન જગ્‍યાઓ" અને પ્રેરક પ્રસંગો "સંન્‍યાસી" નામથી આપે છે. આ ઉપરાંત સાહિત્‍યક્ષેત્રે તેમની પહેલી નવલકથા "રામકલી" લખાઈ અને નવલકથાલેખનનું વિશાળ ક્ષેત્ર મળતાં હરિલાલે નોકરી વ્‍યવસાય કરતાં-કરતાં સાથે સાથે ટૂંકીવાર્તાઓ, નવલિકા સંગ્રહો અને નવલકથાઓના સર્જનને ગતિશીલ રાખ્‍યું તેના પરિપાકરૂપે આજે ચોસઠ-પાંસઠ જેટલી નવલકથા, દશેક વાર્તાસંગ્રહ, પરિચય આપતી પુસ્‍તિકાઓ ગુજરાતી સાહિત્‍યમાં ઉમેરાઈ. નવલકથાઓમાં હરિલાલ ઉપાઘ્‍યાયના ઈતિહાસ સંશોધનના પરિપાક જેવી ચંદ્રવંશી- સૂર્યવંશી રાજાઓની ઐતિહાસિક નવલકથા શ્રેણીઓને સર્વત્ર ભારે આવકાર મળ્‍યો. અને અનેક સંસ્‍થાઓએ ઈતિહાસ સંશોધનને બિરદાવી હરિલાલ ઉપાઘ્‍યાયનું બહુમાન કર્યુ. કચ્‍છ, સૌરાષ્‍ટ્ર બ્રાહ્મણ જેવી મહાન સંસ્‍થાએ "આદરણીય સભ્‍ય" પદ આપ્‍યું.
વિશેષમાં હરિલાલ ઉપાઘ્‍યાયના વૈદિક સાહિત્‍યના અભ્‍યાસ અને ચિંતનના પરિપાક રૂપે વેદવિજ્ઞાન, પુરાણવિજ્ઞાન, અગમ્‍યવાદ, કાળનિર્ણય, નારી, ઘોડો અને પક્ષીઓની ગુણવિશેષતા, જયોતિષ જેવી ચાલીસેક લેખમાળાઓથી પ્રસન્‍ન થયેલા વિદ્વાનો અને જયોતિષ સંશોધન કેન્‍દ્ર સંસ્‍થાએ ‘જયોતિપદ્મ' એવોર્ડ આપી તેનું બહુમાન કર્યુ. આમ જીવનપર્યત તેઓ લખતા રહ્યા. જેના પરિપાકરૂપે એમની કેટલીક સમર્થ કૃતિઓ આપણને વાંચવા મળી છે.
આમ "હાલારની ધરતીએ બે સમયે નવલકથાકાર ગુજરાતને ચરણે ધર્યા તેમાનાં એક ગુણવંતરાય આચાર્ય અને બીજા હરિલાલ ઉપાઘ્‍યાય. મોઢ બ્રાહ્મણ પરિવારમાં રર-જાન્‍યુઆરી ૧૯૧૬ ના રોજ જન્‍મેલા હરિભાઈએ પ્રાથમિક શિક્ષણ પડધરીમાં મેળવીને જામનગરની સંસ્‍કૃત પાઠશાળામાં શાસ્‍ત્રાભ્‍યાસ કર્યો, અને કાલાવડ તાલુકાના ખોબા જેવડા મકાજી મેઘપર ગામે હરિભાઈ કર્મકાંડી બ્રાહ્મણ તરીકે કાયમ માટે વસી ગયા. ગોરપદુ અને યજમાનવૃત્તિ પર ગુજરાન ચલાવવાનો ઈરાદો હતો પરંતુ વિધિએ કંઈક જુદુ જ કરવા ધાર્યુ હશે. હરિભાઈને વાંચન લેખનનો શોખ ૧૩ વર્ષની બાલ્‍ય વયે કલમ ઝાલી તે આજીવન તેમની સંગીની બની રહી, એવું બન્‍યું કે હરિભાઈએ રચેલું પાંચસો પંક્‍તિનું એક વીરરસનું કાવ્‍ય વજુભાઈ શુક્‍લ મુંબઈ લઈ ગયા અને પ્રસિદ્ધ પત્રકાર અમૃતલાલ શેઠને વંચાવ્‍યું હરિભાઈની લેખનશક્‍તિ જોઈને અમૃતલાલ શેઠે તેમને મુંબઈ બોલાવ્‍યા, સાહિત્‍યકારોનો પરિચય કરાવ્‍યો અને નિયમિત લેખન કરવા પ્રેર્યા પછી તો પૂછવું જ શું? જોત જોતામાં મુંબઈ ગુજરાતના પ્રસિદ્ધ અખબારો અને સામયિકોમાં હરિભાઈની ટૂકીવાર્તાઓ અને ધારાવાહી નવલકથાઓ છપાવા લાગી. હરિલાલ ઉપાઘ્‍યાયનો પ્રથમ વાર્તાસંગ્રહ "જીવનછાયા" અને પ્રથમ નવલકથા "રામકલી" પ્રસિદ્ધ થઈ ત્‍યારથી માંડીને એકધારા પાંચ દાયકા સુધી મકાજી મેઘપર ગામના એકાંતખૂણે વસીને હરિભાઈએ ચોસઠ-પાસઠ જેટલી નવલકથાઓ, સો જેટલી ટૂંકીવાર્તાઓ અને બાર જેટલા જીવન ચારિત્રય ગ્રેંથો જેટલું વિપુલ સાહિત્‍યસર્જન કર્યું છે. હરિભાઈ આજીવન કલમને ખોળે રહ્યા, લેખનના પુરસ્‍કાર ઉપર ગુજારો કર્યો અને ૭૮ વર્ષની ઉમરે ૧પ જાન્‍યુઆરી ૧૯૯૪ ના રોજ કવિ નર્મદની જેમ અકિંચન અવસ્‍થામાં અવસાન પામ્‍યાં. આઝાદી પછીના પચાસ વર્ષના ગાળામાં હરિલાલ ઉપાઘ્‍યાયની નવલકથાઓએ વિશાળ વાચકવર્ગ ઉભો કર્યો છે. પુસ્‍તકાલયોના નિયમિત પાઠક સભ્‍યોમાં તેમણે ભારે ચાહના મેળવી છે."
"સ્‍વ. હરિલાલ ઉપાઘ્‍યાયે ૧૯૪ર સુધી ચારણકવિ-વાર્તાકારો સર્જકોનો પ્રત્‍યક્ષ સંપર્ક જાળવી રાખી પોતાની સર્જન પ્રવૃત્તિ દરમિયાન સાહિત્‍યના વિવિધ પ્રકારોમાં ખેડાણ કર્યું.
લેખકની કલમમાં હાલારની ધરતીની ખુશ્‍બુ વેરાય છે. પૂનિત ભૂમિના ભવ્‍ય ઈતિહાસની વાત એમની કલમે સર્જાઈ છે. લોકજીવનના અનેક પ્રસંગો વહેવડાવ્‍યા છે. ચોટદારસંવાદો હદયસ્‍પર્શી શબ્‍દોથી શણગારીને નાટયસ્‍વરૂપે પ્રસ્‍તુત કર્યા છે. લોકસાહિત્‍યના પિયાસીએ સેંકડો લોકકથાઓ-લોકવાર્તાઓ લખી એટલું જ નહીં પણ માનવીની મધુરપ અને મોટાઈ તથા ત્‍યાગ, ઉદારતાની ભવ્‍ય ભાવના, સાદાઈથી ઓપતા માનવીઓ, ધન સમૃદ્ધિઓ પછી ગુણ સંસ્‍કારથી સમૃદ્ધ એવા પાત્રોને રજૂ કરવામાં સ્‍વ. હરિલાલભાઈએ લોકજીવનના પમરાટને પ્રસરાવ્‍યો. વિવિધ વિષયો ઉપર સંશોધનપૂર્ણ અને સંખ્‍યાબંધ પુસ્‍તકો, લેખો, વાર્તાઓ અને લેખમાળાઓ લખી છે. પોતાના દીર્ઘજીવનમાં અંધારા અજવાળાને પ્રત્‍યક્ષ અનુભવ્‍યા, સાહિત્‍ય પદાર્થનો ભંડાર હૈયામાં રાખી કોઈપણ પુરસ્કા‍રની કે કિર્તિની આશા રાખ્‍યા વગર કલમની ગતિ અવિરત વહેતી રહી.
સંસ્‍કૃત ભાષા પ્રત્‍યે તેમને અપાર પ્રીતિ હતી. તે એક સારા વક્‍તા હતાં. તેમના પ્રવચનો સાંભળવા માટે સમુદાય એકઠો થતો. શાસ્‍ત્રીય સંગીત અને અન્‍ય કલાઓમાં તેમને રસ હતો. તેમની ઘણી રેકર્ડઝ બહાર પડેલી. તેઓ ડાયરાઓમાં જતાં, કથાઓ પોતાની આગવી શૈલીએ રજૂ કરતા એ વાત ‘એ મોંઘેરા જીવતર' અને ‘યોગમંજરી' નામની કૃતિમાં છે."
"તેઓ હૃદયથી સંવેદનશીલ કવિ, સૌરાષ્‍ટ્રના ભાતીગળ જીવનનો વ્‍યાપક ઊંડો અનુભવ, સૌરાષ્‍ટ્ર, ગુજરાત-ભારતના ઈતિહાસનું બહોળું વાંચન, એમનો ચિત્તકોશ કથાસર્જન અને અનુભવ પિંડથી ભરેલ, એવા બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક સીધા-સાદા પહેરવેશમાં આપણી પાસે આવી ઉભા રહેતો કોઈને પણ ખ્‍યાલ ન આવે કે આ વ્‍યક્‍તિ એક સારા નવલકથાકાર, સારા શાસ્‍ત્રીય સંગીતની સુરોની તર્જો બાંધનારા, સારા જયોતિષકાર, વ્‍યાસપીઠ ઉપર બેસીને શ્રોતઓને ડોલાવી જનાર ભાગવતકથાકાર, લોકસાહિત્‍ય સંશોધનના એક ઉપાસક, ઉત્તમ ફોટોગ્રાફર અને ઘણું બધું જીવનમૂલ્‍યોના સંદર્ભમાં અનુભવનાર મુરબ્‍બીશ્રી હરિલાલ ઉપાઘ્‍યાય પોતે હશે એવો પ્રશ્‍ન સહેજેય મનમાં ઉપસ્‍થિત થાય."
"તેમનું જીવન યોગીના જીવનના અરીસા જેવું હતું. સર્જન કાર્યમાં મનોમંથન અને ગુંગણામણ અનુભવવી પડે તે અકથ્‍ય છે - તે મનનો ભાર વધારે છે. પણ તે વાતને તેમણે સહજ બનાવીને પોતાના સર્જનો સાથે જ નાતો બાંધી લીધો હતો. સમગ્ર જીવનને ઋષિમૂનિ સાધના કરતા હોય તેમ પૂર્ણ કરી નાખ્‍યું. મે પૂ. પિતાશ્રીને કલાકોના કલાકો સતત એકધારા સર્જનની યાત્રા કરતા જોયા છે."
"સૌરાષ્‍ટ્રના સમર્થ સાહિત્‍યકાર હરિલાલ ઉપાઘ્‍યાયને તેમના અમૃત મહોત્‍સવ સમારોહ દરમિયાન ગુજરાત સાહિત્‍ય સંગમનો ક.મા. મુનશી એવોર્ડ સપ્‍ટેમ્‍બર ૧૯૯૦માં અર્પણ કરવામાં આવ્‍યો હતો. એ એમની સર્જક પ્રતિભાને શોભાયમાન કરે છે. અને એ પ્રસંગે રાષ્‍ટ્રવીર છેલભાઈના જનસમર્પિત શૌર્ય આધારિત બૃહદ ઐતિહાસિક નવલકથા ‘રાષ્‍ટ્રવીર છેલભાઈ'ના લેખન માટે રાષ્‍ટ્રવીર છેલભાઈ જન્‍મશતાબ્‍દી સમિતિ ગુજરાત તરફથી શ્રી હરિલાલ ઉપાઘ્‍યાયનું નાગરિક અભિવાદન પણ કરવામાં આવ્‍યું હતું."
આમ "હરિલાલ ઉપાઘ્‍યાયનું જીવન સામાન્‍ય માણસના જીવન જેવું સાદુ-સરળ હતું. કેટકેટલી આર્થિક મુશ્‍કેલીઓની વચ્‍ચે રહીને તેમણે કલમ ચલાવી તેમેણે જીવનમાં ક્‍યારેક કોઈ અપેક્ષા વગર જ લેખન કાર્ય કરેલું. આ લેખક પોતાના વતનના ગામમાં ગયા ત્‍યારે એ વતનની અનેક અગવડતાઓમાંથી એમને જે રીતે પોતાની પ્રારંભિક સમયની પ્રવૃત્તિઓને જારી રાખી એ તો તેમના શબ્‍દોમાં જ જાણીએ ત્‍યારે આપણને થાય કે ના સંઘર્ષ એટલે શું?
લેખકે આ બે હજારની વસ્‍તીનું અને જિલ્‍લાના વડા મથકથી સૌથી દૂર તાલુકાનું છેલ્‍લું ગામ બધી રીતે સગવડતા વિહોણું જયાં બારમાસી કોઈ વાહન-વ્‍યવહારની સગવડ નથી. પ્રાથમિક સારવાર માટે પણ દૂર જવું પડે તેવી અગવડતામાંથી શ્રી હરિલાલ ઉપાઘ્‍યાયે ગ્રામ્‍ય સંસ્‍કૃતિના નિચોડ સમાન જે લખ્‍યું છે. તેમાનું ઘણું ખરું તો હજુ અપ્રસિદ્ધ છે. જયારે આ બધું છપાશે ત્‍યારે તેમની આ સાભનાથી તેમના વાચક વર્ગને આદર થશે.
તેમણે ગ્રામ્‍ય સંસ્‍કૃતિમાં જે અનુભવ્‍યું તે બધું તેમની બે સામાજિક નવલકથા 'મોતીડે બાંધી પાળ' અને 'ખૂટયું નથી ખમીર' માં ઢાળી દીધું.
આ લેખકે ગ્રામ્‍ય વિસ્‍તારનું જે હૃદયંગમ દર્શન કર્યું છે. તે જોવું હોય તો તેમની બે કૃતિઓ જોવી જ રહી જેમાં એમણે પોતાના વતનની વાત પોતે સાંભળેલી કેટલીક અનુભવેલી-જોયેલી વાતો છે. તેમાંથી સર્જાયેલી નવલકથા ‘ઓતરાદા વાયરા ઉઠો ઉઠો' જેમાં પોતાના વતનનું ગામ, પોતાની જન્‍મભૂમિ ખીજડીયા અને તેની આજુબાજુના ગ્રામ્‍યજીવનના અઢારમી સદીના લોકજીવનને આબેહૂબ રજુ કર્યું છે.
તેમના વતનની વાર્તાઓને 'સૌરાષ્‍ટ્રની વીરગાથા-૧થીપ'માં વણી લીધી છે. 'સૌરાષ્‍ટ્રની રસગાથા'માં વીસરાતા મૂલ્‍યપ્રધાન જીવનની બનેલી ભલે સામાન્‍ય લાગતી વાતને મૂલ્‍યની રીતે એટલી આલેખવાની તાકાત તેમને સાહિત્‍ય સર્જનમાં કરેલા સંઘર્ષોનો પુરાવો છે.
ક્ષેત્રના જાણકારને તેના અજાણ્‍યા સાથે રહેવામાં કેટલો સંઘર્ષ કરવો પડે છે તે વસ્‍તુને જાતે અનુભવી પછી જ તેને શબ્‍દ દેહ આપવામાં શ્રી હરિભાઈને આનંદ આવે છે.
તેઓ પ્રકૃતિપ્રેમી, સંગીતજ્ઞ, જયોતિષ અને ગ્રામ્‍ય યોગવિદ્યા ઉપરના, વિવિધ જ્ઞાન ઉપરના મનનીય લેખ લખનાર કલમ કસબી હોવા ઉપરાંત સારા કથાકાર અને શાસ્‍ત્રોક્ત વિધિ-વિધાનના જાણકાર હતા. તેમની કવિતા કહેણી અને સંગીતકાર તરીકે તેમની પ્રસિદ્ધ થયેલ 'રેકર્ડ' તેમના સંગીત પ્રત્‍યેના જ્ઞાનનો પુરાવો છે.
આટલું બધું હોવા છતા પોતે વતનના નાનકડા ગામડામાં બેસી સર્જન કરતા રહ્યા. મા કલમની કમાણી ઉપર ઘર ચલાવવું એ તો ચલાવનારને જ ખબર પડે. કેટલો કઠોર પરિશ્રમ માગી લે તેવું કાર્ય છે. હરિભાઈએ બાર-પંદર કલાક સુધી કલમ ચલાવી છે. ત્‍યારે માતબર સાહિત્‍યરૂપી ફાલ આપણને પ્રાપ્‍ત થયો છે."
સૌરાષ્‍ટ્રનું ભાતીગળ તળપદુ જીવન આલેખવામાં મેઘાણી અને મડિયાને યાદ કરવામાં આવે છે તેમ હાલારી સર્જક સ્‍વ. હરિલાલ જાદવજી ઉપાઘ્‍યાયની સાહિત્‍યસેવાને યાદ કરવી ઘટે.
ઈતિહાસ સંશોધન અને સાદગીભર્યા સર્જક હરિલાલ ઉપાઘ્‍યાયનું વ્‍યક્‍તિત્‍વ નખશિખ સરળતાનો અવતાર લાગે. એકવડા બાંધાનો દેહ કોઈ તપસાધક યોગી કે સંતના દર્શન કર્યાનો અનુભવ કરાવે તેવો હતો. ભારતીય સંસ્‍કૃતિ અને ભારત પ્રત્‍યેનો તેમનો પ્રેમ તેમની પાસે ટેકીલા સ્‍ત્રી-પુરૂષોની અનેક ઐતિહાસિક, અર્ધઐતિહાસિક કાલ્‍પનિક પણ રસિક કલામય કૃતિઓ સર્જાવે છે.
હવે હરિલાલ ઉપાઘ્‍યાયનું સાહિત્‍યક્ષેત્રે પ્રદાનની ચર્ચાનો ઉપક્રમ તપાસીએ.
 
ર.૩) હરિલાલ ઉપાઘ્‍યાયનું સાહિત્‍યક્ષેત્રે પ્રદાન :
હરિલાલ જાદવજી ઉપાઘ્‍યાય અનેકવિધ પ્રતિભા ધરાવતા સર્જક હતા. કવિ, નવલિકાકાર, નવલકથાકાર, ઉત્તમ નાટયકાર, લોકસાહિત્‍યકાર વગેરે પ્રતિભા તેમનામાં હતી. તેમણે ચરિત્રગંથો પણ લખ્‍યાં છે. હાલારી સર્જકને તેમની સર્જન પ્રવૃત્તિને પ્રકાશિત કરતો ગુજરાત સાહિત્‍ય સંગમનો ‘ક.મા. મુનશી એવોર્ડ' સપ્‍ટેમ્‍બર ૧૯૯૦ માં આપવામાં આવ્‍યો હતો. તેઓ જીવન પર્યંત કલમના ખોળે રહ્યા. સાહિત્‍ય ક્ષેત્રે તેમની ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓએ તેમને ભારે પ્રસિદ્ધિ અપાવી છે.
સ્‍વ. હરિલાલ ઉપાઘ્‍યાય ગુજરાતી સાહિત્‍યના આઠમાં દાયકાના એક બહુમુખી પ્રતિભા ધરાવનાર ઘ્‍યાનાર્હ સર્જક છે. એમનું સર્જનકર્મ ગુજરાતી સાહિત્‍યની વિવિધ શાખાઓમાં વિસ્‍તર્યું છે. અલબત આપણે આગળ જોયું એ મુજબ નવલકથાકાર તરીકે વિશેષ જાણીતા થયા છે. નવલિકા અને સાહિત્‍યના અન્‍ય સ્‍વરૂપોમાં તેમનું પ્રદાન ઓછું છે. સાહિત્‍યસર્જન ઉપરાંત ઈતિહાસ સંશોધન, તત્વચિંતન, જયોતિષવિદ્યા, સર્વોદ‍યભાવના, જીવનમાંગલ્‍ય, માનવસેવા, રાષ્‍ટ્રીયભાવના ઈત્‍યાદિ એમના પ્રધાન કાર્યક્ષેત્રો રહ્યા છે. આપણા પરંપરાગત લોકસાહિત્‍યની પણ એમણે ખેવના કરી છે.
પાંચ દાયકાના સર્જનકર્મ દરમિયાન તેમણે ગુજરાતી ભાષાના સાહિત્‍યને પોતીકી સર્જકમુદ્રાથી નવાજેલું છે એમ કહેવામાં અતિશ‍યોક્‍તિ નહીં લાગે. ભલે નવલિકા જેવા સ્‍વરૂપનો એમણે એક જ સંગ્રહ ‘જીવનછાંયા' આપ્‍યો હોય પરંતુ નવલકથા લેખનની એમની મુદ્રા કંઈક અનોખી છે. ચોંસઠ-પાંસઠ નવલકથાઓનું પ્રદાન કરનાર સર્જક હરિલાલ ઉપાઘ્‍યાય સર્જનલીલા દ્વારા લોકહૃદયને કથારસના તાંતણે બાંધી માનવજીવનના અતાગ રહસ્‍યોને તાગવા-તાકવાનું કાર્ય કર્યું છે. અને એ દ્વારા સ્‍થળ-કાળને અનુરૂપ આલેખન કરીને સામાજિક મૂલ્‍યોની ખેવના કરી છે. એમની નવલકથાઓમાં 'સુખલાલસા', 'નયન ઉઘડયું ને ફૂલ ખર્યુ', 'મંગળફેરા', 'માયા મસ્‍તાની', ‘રાજસત્તાના રંગ', ‘સરોવર છલી વળ્‍યાં', વિશેષ ઘ્‍યાનપાત્ર છે.
એક સર્જક તરીકે તેઓએ સૌરાષ્‍ટ્રની ભાતીગળભૂમિનો અને એમાં શ્વસતા નરબંકા માનવીનો વ્‍યાપક પરિચય એમની નવલકથાઓ દ્વારા થાય છે. ઐતિહાસિક નવલકથા શ્રેણીમાં પણ તેઓ આવકાર પામેલા સર્જક છે.
નિરૂપણ રીતિની મનોરમ ગદ્યછટાઓ એમણે કેટલેક સ્‍થળે એમના સર્જનમાં પ્રગટાવી છે. નાટકો પણ લખ્‍યાં છે. આ રીતે હરિલાલ ઉપાઘ્‍યાયની કલમ કોઈ એક ક્ષેત્રમાં વિહરવાને બદલે અવનવા ક્ષેત્રોમાં-સ્‍વરૂપોમાં વિલસી છે.
 
ર.૩.૧) કવિ તરીકે હરિલાલ ઉપાઘ્‍યાય :
કવિ હરિલાલ ઉપાઘ્‍યાય એક સંવેદનશીલ કવિ હતા. તેઓએ જીવનમાં અનેક કડવા-મીઠાં પ્રસંગો અનુભવ્‍યા હતા. એટલે તેમની કવિતામાં પણ ગ્રામ્‍ય સમાજ, લોકજીવન, તેના રિતરિવાજ, શોષણ વગેરે બાબતોને કેન્‍દ્રમાં રાખી કવિતા રચી છે. તેઓ જયારે જામનગરની સંસ્‍કૃત પાઠશાળામાં અભ્‍યાસ કરતા હતા ત્‍યારે તેમણે "પાણિનીય કૌમુદી" નો અભ્‍યાસ કર્યો. અને ૧૩ વર્ષની વયે તેમનામાં કવિત્‍વશક્‍તિતના અંકુરો ફૂટયા એ તેર વર્ષની વયે એક મેળાવડામાં તેમણે સ્‍વરચિત કાવ્‍ય ગાયું અને તેમનેપુરષ્‍કાર આપવામાં આવ્‍યો હતો. ત્‍યાર બાદ તેમણે કવિતા યાત્રા શરૂ કરી. ગ્રામ્‍યજીવનને કેન્‍દ્રમાં રાખીને તેમણે ‘ગામડું મુજને પ્‍યારું' એવું કાવ્‍ય લખ્‍યું. એનું પઠન પણ તેમણે જામનગરના એક સમારંભ દરમિયાન કર્યુ હતું. અને તાલીઓના ગડગડાટથી તે કાવ્‍યને વધાવવામાં આવ્‍યું હતું. તેમણે પ્રથમ કાવ્‍ય ‘લગ્નબંધન' નામનું લખ્‍યું હતું.
આમ કવિતાના અનોખા મિજાજ સાથે તેમણે પાંચસો પંક્‍તિતનું વીરરસથી સભર "તાન્‍યા" નામનું કાવ્‍ય પણ લખ્‍યું હતું. એ ઉપરાંત ગ્રામ્‍ય પરિવેશમાં ગ્રામ્‍યજાગૃતિની અનેક કવિતાઓ લખી, તેમજ દેશભક્‍તિતની કવિતાઓમાં 'રાષ્‍ટ્ર તણા સરદાર', 'શિવાજીનું હાલરડું', 'જવાહરલાલ નહેરુનું હાલરડું' વગરે રચનાઓ નોંધપાત્ર છે. આ ઉપરાંત દુહાઓ, કથાગીત વગરેની રચનાઓ પણ તેમણે ખૂબ કુશળતાથી કરી છે. તેમની કાવ્‍યરચનાઓ સાદી અને સરળ-સહજ શૈલીમાં વાચક સરળતાથી સમજી શકે એવી રીતે રજૂ કરેલી છે. દા.ત.
"અભણ, નિર્ધન અને ગરીબ ખેડૂત ઉપર
            ચોપડે વ્‍યાજના થર ચડાવી વ્‍યાજભૂખે,
પછી ખોરડા જુટવ્‍યા ગરીબના બળ રસ્‍તે ફગાવી
            આશરાહીન મા-બાપ બાળક તણા શ્વાસે-શ્વાસે,
નિસાસા નીતરતા સાગરો સમા ત્‍યાં રૂદન રેલાયા હશે.
            ગરીબીના આંસુડા ત્‍યાં સુકાયા હશે."
આવી સુંદર કાવ્‍યરચનાઓ તેમની પાસેથી મળે છે. તેમણે ચારણીશૈલીમાં પણ અનેક કાવ્‍યરચનાઓ કરેલી છે. તેમના કાવ્‍યો સામયિકો, તેમજ પૂર્તિઓમાં પ્રકાશિત થયેલ છે. આજે પણ તેમની કેટલીક કાવ્‍યરચનાઓ તેમના સંગ્રહોમાં છપાયા વિનાની તેમના હસ્‍તાક્ષરમાં નોટરૂપે પડી છે. એના માટે જવાબદાર હતી આર્થિક પરિસ્‍થિતિ.
 
ર.૩.ર) નવલિકાકાર હરિલાલ ઉપાઘ્‍યાય :
નવલિકાકાર તરીકે તેમને ઘણી પ્રસિદ્ધિ મળે છે. હરિલાલ ઉપાઘ્‍યાયની નવલિકાઓ વાંચતા કોઈપણ વાચકને મેઘાણી, મડિયા અને ધૂમકેતુની યાદ અપાવે એ હકીકત છે. માત્ર પંદર વર્ષની વયે એમની પ્રથમ ટૂંકીવાર્તા 'હૃદયપલ્‍ટો', 'મોઢબંધુ' નામના પત્રમાં પ્રગટ થઈ. એજ વર્ષમાં એમની બીજી ટૂંકીવાર્તા જે ‘બે ઘડી મોજ' નામના પત્ર માં પ્રગટ થાય છે.
ત્‍યારબાદ તેમનો પ્રથમ 'વાર્તાસંગ્રહ': 'જીવનછાયા' પ્રગટ થાય છે. જેના માટેનું પ્રોત્‍સાહન મુનશી દ્વારા પ્રાપ્‍ત થાય છે. આ ઉપરાંત તેમનો જેમાં લોકસાહિત્‍યના અંશો છે એવા નવલિકા સંગ્રહો સૌરાષ્‍ટ્રનું ગૌરવ વધારે તેવા છે. "સૌરાષ્‍ટ્રની રસગાથા ભાગ-૧-ર", "સોરઠી લોકવાતો", "સૌરાષ્‍ટ્રની વીરગાથા ભા-૧-થીપ", "સૌરાષ્‍ટ્રનો વાર્તારસ" વગેરે સંગ્રહો નોંધપાત્ર છે.
પ્રેરણાદાયી શીર્ષકોવાળી તેમની ૪૦૦ જેટલી નવલિકાઓ ખૂબ પ્રસંશા પામી છે. એ સમયનાં પ્રખ્‍યાત માસિક 'અંજલિ', 'દૃષ્‍ટિ', 'સવિતા', 'રુચિ', 'પાનેતર' વગેરેમાં તેમની નવલિકાઓએ ભારે વિશાળ વાચકવર્ગ ઉભો કર્યો હતો. તેમની કેટલીક નવલિકાઓ જેવી કે 'તેજ છવાઈ રાત', 'તેગ બહાદુર', 'વાટનો કટકો', 'મૂછના પાણી', 'ખાંડાની ધારે', 'રજપૂતાણી', 'વાટનો વિસામો', 'સંત ગોબર ભગત', 'મોંઘેરા જીવતર' વગેરે નોંધપાત્ર છે.
આમ કુલ દશેક જેટલા વાર્તાસંગ્રહો તેમની પાસેથી પ્રાપ્‍ત થાય છે. આ ઉપરાંત તેમની પાસેથી 'પુષ્‍પમંગલ' બાળવાર્તાસંગ્રહ પ્રાપ્‍ત થાય છે. આ વાર્તાસંગ્રહોમાંની ટૂંકીવાર્તાઓ થોડીઘણી ક્ષતિઓને બાદ કરતા નોંધપાત્ર રહી છે.
 
ર.૩.૩) નવલકથાકાર હરિલાલ ઉપાઘ્‍યાય :
હરિલાલ ઉપાઘ્‍યાયને નવલકથા સાહિત્‍યએ ખૂબ કિર્તિ અપાવી. એમની નવલકથાઓમાં સમાજજીવનનો રણકો પડથાય છે તો બીજી તરફ ઈતિહાસ દૃષ્‍ટિગોચર થાય છે. એમણે સામાજિક નવલકથાઓ અને ઐતિહાસિક નવલકથાઓ એમ બે પ્રકારની નવલકથાઓ લખી છે. એમાં એમની પ્રથમ સામાજિક નવલકથા 'રામકલી' (૧૯પરમાં) પ્રગટ થઈ હતી. તે પછી 'ગૌરી', 'પ્રીતે પરોવાયાં', 'નથી સુકાયા નીર', 'કુંદન ચડયું કાંટે', 'કુંવારી માતા (૧૯૭૭)', 'મંગળફેરા (૧૯૮૩)' વગેરે પ્રગટ થઈ આ ઉપરાંત 'રહીગઈ મનની મનમા', 'તન ભૂખ્‍યાં કોઈ ધન ભૂખ્‍યાં', 'ધરતી લાલ ગુલાલ', 'અલકા', 'અંતર ખોલે આંખ', 'સુખ સવાયા થાય', 'સાવજડા સેંજળ પીએ', 'પારસ સ્‍પર્શે એક જ વાર', 'મન ડૂબ્‍યા મૃગજળમાં', 'વરસો રે ઉરના અમી', 'કેસર ભીનો કંથ', 'અમૃત ભીની આંખલડી', 'ચંદ્રલેખા', 'માયા મસ્‍તાની', 'ગોરી તો ગુણિયલ ભલી', 'રાજપુરની લાછુ', 'ધબકતું ધન', 'મન પંખીના માળા', 'નિશા સુણાવે નાદ', 'હૈયે મઢાયા હેત', 'તેજ છવાઈ રાત', 'ઉગ્‍યો ચન્‍દ્ર અમાસે', 'નારી હતી એક નમણી', 'સંપત્તિના સુખ દુઃખ', 'સરોવર છલી વળ્‍યા (૧૯૭૭)', 'વનમાં ખીલી વસંત', તેમની નોંધપાત્ર સામાજિક નવલકથાઓ છે.
આમ તેમની સામાજિક નવલકથાઓ વિષય અને અભિવ્‍યક્‍તિની દૃષ્‍ટિએ તાજગીપૂર્ણ, વૈવિઘ્‍યયુક્‍ત અને આસ્‍વાધ્ય છે. એનાં શીર્ષકો પણ અર્થસૂચક અને કથયિતવ્‍યને મુખરિત કરી આપે તે પ્રકારના છે. એમની કેટલીક સામાજિક નવલકથાઓ માનવીય પ્રેમને મુખરિત કરી આપે છે. ખરેખર એ વાત સાચી છે કે માનવીના જીવનમાંથી પ્રેમ નામનું તત્વ કાઢી લેવામાં આવે તો શેષ કંઈજ રહેતું નથી. આ સનાતન સત્‍યને કેન્‍દ્રમાં રાખી લેખકે શબ્‍દ સાધના કરી છે. આમ સામાજિક નવલકથા માતબર સંખ્‍યામાં આપી છે તે હરિલાલ ઉપાઘ્‍યાયની ઉત્‍કૃષ્‍ટ સર્જન શક્‍તિનો પરિચય કરાવી આપે છે.
એમની ઐતિહાસિક નવલકથાઓ ભારે આદર પામી છે. આ નવલકથાઓ બે રીતે ઘ્‍યાનપાત્ર બને છે. (એક) વિષયવસ્‍તુની માવજત. (બે) ઈતિહાસ પ્રત્‍યેની વફાદારી. ખરેખર ઐતિહાસિક નવલકથાકારે ઈતિહાસને વફાદાર રહીને એટલે કે ઈતિહાસને વિકૃત કર્યા સિવાય નવલકથાને વાસ્‍તવલક્ષી અને કલાત્‍મક બનાવવાની હોય છે. અને એવું જ કાર્ય હરિલાલ ઉપાઘ્‍યાયે કર્યુ છે. એમની ઐતિહાસિક નવલકથાઓ આ પ્રમાણે છે. - 'પડતા ગઢના પડછાયા', 'રૂધિરનું રાજતિલક', 'રણમેદાન', 'લાખો ફુલાણી', 'તાતી તલવાર (૧૯૬૭)', 'કલંક અને કિર્તિરેખા', 'ઓતરાદા વાયરા ઉઠો ઉઠો', 'જય ચિત્તોડ', 'ચિત્તોડની રણગર્જના (૧૯૭૬)', 'મેવાડનો કેસરી', 'મેવાડના મહારથી', 'શૌર્ય પ્રતાપી મહારાણા પ્રતાપ', 'દેશ ગૌરવ ભામાશા', 'મેવાડની તેજ છાયા(૧૯૭૮)', 'વિજય વરદાન', 'શૌર્ય પ્રતાપી ચંદ્રવંશ (૧૯૭૮)', 'કચ્‍છ ભૂમિનો કેસરી', 'નવા નગરના નરબંકા ૧૯૮૦', 'રાજસત્તાના રંગ', 'સોનાવરણી' (૧૯૮૮), 'છેલનામી સૌરાષ્‍ટ્ર' (૧૯૯ર) વગેરે પ્રસંશનીય કૃતિ રહી છે.
આમ હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક અને ઐતિહાસિક નવકથાઓએ વિશાળ વાચકવર્ગ ઉભો કર્યો હતો. ગામડામાં રહીને ઉત્‍કૃષ્‍ટ સર્જન કરવું એ નોંધનીય બાબત ગણાય. તેમની કેટલીક ઐતિહાસિક નવલકથાઓમાં રાજસ્‍થાનને વિષયવસ્‍તુ બનાવતી, સૂર્યવંશ-ચંદ્રવંશ ગ્રથાવલિને સુપેરે પ્રગટ કરાવી આપે છે. આમ હરિલાલ ઉપાઘ્‍યાયની નવલકથાઓ સાહિત્‍યક્ષેત્રે એક આગવો ઉન્‍મેશ જગાવે છે. મુનશીની નવલકથાઓ સાથે તુલના કરી શકાય એવી નવલકથાઓ હરિલાલ ઉપાઘ્‍યાયે આપી છે.
 
ર.૩.૪) લોકસાહિત્‍યકાર હરિલાલ ઉપાઘ્‍યાય :
સર્જક હરિલાલ ઉપાઘ્‍યાય લોકસાહિત્‍ય ક્ષેત્રે કેટલીક મહત્વની કૃતિઓ આપે છે. મેઘાણીની જેમ તેઓ પણ મોટા જાગીરદારોની ડેલીએ મળતા ડાયરાઓમાં ફર્યા. વિદ્વાન ચારણોના સંપર્કમાં આવ્‍યા. અનેક નાની મોટી ઘટનાઓની નોંધ કરી અને અનેક પગપાળા પ્રવાસ કરીને લોકજીવનની - માનવજીવનના નૈતિક મૂલ્‍યો, પ્રેમ, શૌર્ય, ત્‍યાગ, વચનપાલન, ચારિત્રયશુદ્ધિ વગરેની વાતો તેમના ગ્રેથોમાં સમાવી છે. તેમની પાસેથી સૌરાષ્‍ટ્રની વીરગાથા -૧ થી પ, 'સૌરાષ્‍ટ્રની રસગાથા - ૧,ર', 'સોરઠી લોકવાતો' વગેરે કૃતિઓ મળે છે.
દાયરામાં રજૂ થતી લોકવાર્તાની રસઝલક દાખવી જતી ઘટનાપ્રધાન લોકવાર્તાઓમાં તત્‍કાલીન જમાનામાં માનવજીવનની ખુમારી તથા ઘટના સમયના વાતાવરણની અસર જાળવી રાખવાનો ખ્‍યાલ આગળ રાખી તેમણે કથાઓનું આલેખન કર્યુ છે.
આપણે આગળ જોયું તેમ પ્રેમ, શૌર્ય, ત્‍યાગ, ચારિત્ર્‍ય શુદ્ધિ જેવા લોકસંસ્‍કૃતિના વિવિધ અને વિલક્ષણ પાસાઓને નિરૂપતી આ લોકવાર્તાઓમાં હરિલાલ ઉપાઘ્‍યાયે અનુરૂપ કથનશૈલી દ્વારા તત્‍કાલીન સમાજચિત્ર અને વાતાવરણ ખડું કરવાનો પ્રશસ્‍ય પ્રયાસ કર્યો છે. આમ તેમણે લોકસાહિત્‍યનું સંશોધન સંપાદન કરી કેટલીક કૃતિઓ આપેલી છે. આ અંગે અભિપ્રાય આપતા શંકરભાઈ સોમાભાઈ તડવી લખે છે કે "આજથી પચાસ - પોણોસો વર્ષ પહેલા સર્જન કરવું સહેલું હતું. પરંતુ તેના પ્રકાશન માટે કપરા ચઢાણ ચઢવા પડતા હતાં. એવા સમયમાં સ્‍વ. શ્રી હરિલાલ લેખક તરીકે ખ્‍યાતિ પામ્‍યાં, ઐતિહાસિક નવલકથા લેખનના કામે ઈતિહાસની સામગ્રી મેળવવાની કામગીરી વેળાએ ધૂળધોયા સંશોધકનું કાર્ય કર્યું તેથી તેઓ સૌરાષ્‍ટ્રના લોકને જાણવા મથ્‍યા, સૌરાષ્‍ટ્રનું પરંપરાગત લોકધન મેળવવા રખડયા. એમાંથી તેઓએ કેટલાક સંગ્રહો લોકકથાઓ-લોકવાતો આપી. સ્‍થાનિક ઈતિહાસ અને પરંપરાગત લોકસાહિત્‍ય સંપાદિત કરીને તેઓ જનજીવનને ઋણી બનાવી ગયા.
ઐતિહાસિક સામગ્રીનો સંશોધન મહાવરો લોકસાહિત્‍યના સંપાદનમાં કામ લાગ્‍યો. ને એમ લોકસાહિત્‍યના સંપાદનો આપ્‍યા છે. એ રીતે પોતાના પ્રદેશ પૂરતી કરેલી ક્ષેત્રીય લોકસાહિત્‍ય સાધના ગુજરાત માટે પણ ઉપકારક જ છે."
 
ર.૩.પ) નાટયકાર હરિલાલ ઉપાઘ્‍યાય :
હરિલાલ ઉપાઘ્‍યાયના અન્‍ય સાહિત્‍યની જેમ તેમના નાટકો પણ સાહિત્‍યની દૃષ્‍ટિએ તપાસવા જેવા છે. એમણે દસેક નાટકો લખેલા છે. આજે એ નાટકો છપાયા વિનાના જ હાથ લખાણ આધારિત ગ્રંથોમાં સૂચવાયા છે. એમના નાટકો સ્‍ટેજ પર ભજવવામાં આવતા. જયારે હસમુખભાઈ રાવળ રાજકોટ આકાશવાણી પર નાટય નિર્માતા પદે આવ્‍યા ત્‍યારે એમના નાટકો રેડિયો પર આવ્‍યા અને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્‍યું હતું. તેમની પાસેથી સ્‍વાતંત્ર્‍ય સેનાનીને લગતું રેડિયો નાટક ‘આંખ સામેનું સમણું' અને વેરના વળામણા કરાવતું સ્‍ત્રી પ્રધાન નાટક 'વેર વિમોચન' મળે છે આ ઉપરાંત પણ 'વીરાંગના', 'વાટનો વિસામો', 'એ મોંઘેરા જીવન', 'દરબારીઓ' વગરે નાટયકૃતિઓ મળે છે.
આમ તેમણે ખૂબ યશસ્‍વી નાટયકૃતિઓ લખી છે. જે ગુજરાતી સાહિત્‍ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણી શકાય.
 
ર.૩.૬) હરિલાલ ઉપાઘ્‍યાયનું ચરિત્રાત્‍મક સાહિત્‍ય :
હરિલાલ ઉપાઘ્‍યાય સતત લેખનનું કાર્ય કરતા રહેતા. એમણે લખેલું ચરિત્રાત્‍મક સાહિત્‍ય નોંધપાત્ર છે. તેમની પાસેથી 'સંત દાદા મેકણ', 'સંત ધરમશી ભગત', 'મહાદેવી ખોડીયાર', 'હિંગળાજ અને હરસિદ્ધિ', 'ચારણદેવી આઈ વરૂડી', 'મસ્‍ત અવધૂત મુંડિયા સ્‍વામી', 'મા શિતલા' વગેરે પરિચય પુસ્‍તકો મળે છે.
આ પુસ્‍તકો અંતર્ગત તેમણે સંતો ભક્‍તોનું ચરિત્ર તેમજ શક્‍તિપરિચય આપેલ છે. તેમની નવલકથા 'છેલનામી સૌરાષ્‍ટ્ર' અને 'કર્મપ્રભાવ' માં પણ મહાન ચરિત્રોની કથા આલેખવામાં આવી છે.
 
ર.૩.૭) હરિલાલ ઉપાઘ્‍યાયનું પત્રકારત્વ :
અનેક અગવડતાઓ વચ્‍ચે મકાજી મેઘપર જેવા ગામડામાં કે જયાં ટપાલસેવાની પણ ઓછી સગવડતા હતી, માત્ર ચાર દિવસે એકવાર ટપાલવાળો આવે અને દેશ અને દુનિયાના પ્રવાહથી જાણકાર રહેવાના માઘ્‍યમો પણ ઓછા, આવું હોવા છતાં જેમણે કંઈક કરવાની ઈચ્‍છા છે એવી વ્‍યક્‍તિ અનેક અવરોધો વચ્‍ચેથી પણ બહાર આવવાની જ હરિલાલ ઉપાઘ્‍યાય કઠોર પરિશ્રમ અને અનેક અવરોધો દૂર કરી 'જનશક્‍તિ', 'લોકતંત્ર' તેમજ 'રંગલો અને રંગદાયરો' વગેરે તેની પત્રકાર કોલમ ઘણી જ સફળ રહી. 'પંચામૃત'માં વરસો સુધી લખ્‍યું. એ સાથે 'રક્ષા' માસિકનું ચારેક વર્ષ સંપાદન કાર્ય કરેલું. તેમનું સમગ્ર જીવન લેખનકાર્યમાં જ પસાર થયું.
આમ અનેક વખત આર્થિક રીતે સંકળામણ અનુભવી છતાં જીવનના ઉચ્‍ચ મૂલ્‍યોને જાળવી રાખવા માટે તેમણે અથાક પ્રયત્‍નો કરેલા.
 
ર.૩.૮) હરિલાલ ઉપાઘ્‍યાયનું પ્રકિર્ણ સાહિત્‍ય :
હરિલાલ ઉપાધ્યાયની કલમેથી ઉપર્યુક્‍ત સર્જન ઉપરાંત એમણે અનેક ક્ષેત્રે પ્રસંગોપાત લખ્‍યું છે. લોકગુર્જરીમાં ઘણા અભ્‍યાસપૂર્ણ લેખો આપેલા, 'કિસ્‍મત'માં કિસ્‍મતના સિતારા વિભાગ દ્વારા ઘણા બધા વ્‍યક્‍તિઓનો પરિચય કરાવ્‍યો. જોરાવરસિંહ જાદવના લોકસાહિત્‍યના નમણાં પ્રકાશનોમાંથી ઘણાં સંપાદનોમાં તેમની કૃતિઓ સામેલ થયેલ છે. ઉપરાંત મહાભારત કથાના વિષયને અનુલક્ષીને લખાયેલી 'ભીષ્‍મ પ્રતિજ્ઞા', 'ધર્મ પ્રતિજ્ઞા', 'કુરુક્ષેત્ર', 'ભીષ્‍મનો શાંતિબોધ', 'ધર્મ વિજય', 'યોગ વિયોગ' અને 'મહાપ્રસ્‍થાન' જેવી રચનાઓ નોંધપાત્ર રહી છે.
'પુષ્‍પમંગલ' બાળવાર્તાસંગ્રહ તેમજ નાગ મહિમા, ધર્મ અને રાજકારણ જેવી કૃતિઓ પણ વિશેષતા ધરાવે છે.
આમ હરિલાલ ઉપાઘ્‍યાયની કલમ દ્વારા અનેક કવિતાઓ, નવલિકાઓ, નવલકથાઓ, નાટકો, ચરિત્ર સાહિત્‍ય, તેમજ લોકસાહિત્‍ય મળે છે.
હવે હરિલાલ ઉપાઘ્‍યાયના સર્જક વ્‍યક્‍તિત્‍વને ઘડવામાં જે જે પરિબળોએ ભાગ ભજવ્‍યો તેની વિગતે આગળ મુજબ ચર્ચા કરીશું.
 
ર.૪) હરિલાલ ઉપાઘ્‍યાયના સર્જક વ્‍યક્‍તિત્‍વને ઘડનારા પરિબળો :
કોઈપણ સર્જકના જીવનકાળ દરમિયાન તેના સર્જક વ્‍યક્‍તિત્‍વને ઘડવામાં અનેક પરિબળો ભાગ ભજવતાં હોય છે. એવી રીતે હરિલાલ ઉપાઘ્‍યાયનાં સર્જક વ્‍યક્‍તિત્‍વને ઘડવામાં તેના સ્‍વજનોથી માંડીને મિત્રો, વડીલો એ બધાએ મહત્વનો ભાગ ભજવ્‍યો છે જે આ પ્રમાણે છે.
"હરિલાલ ઉપાઘ્‍યાયનું પ્રારંભનું જીવન મોસાળના ગામમાં વીત્‍યું. ત્‍યાં વિદ્વાન ભૂદેવો પાસેથી કુળગૌરવની વાતો સાંભળી આ વાતો એ એમના મનોજગતમાં સર્જનની પ્રેરણા સરવાણી વહેતી કરી. તેના પરિપાક રૂપે બચપણમાં પોતાના મામા પાસેથી સાંભળેલી વાતોને કેન્‍દ્રમા રાખી તથા મોટા ખિજડીયાના વાતડાહ્યા માણસો પાસેથી કુટુંબ પરંપરાની આરાધના અને સતીસુરાના ઈતિહાસની વાતોનું સંકલન કર્યુ. અને બે અદ્‌ભૂત નવલકથાઓ આપી. 'ઓતરાદા વાયરા ઉઠો ઉઠો', 'સોનાવરણી', આ નવલકથાઓમાં ઉપસતા વ્‍યક્‍તિચિત્રો અને એ સમયના સમાજજીવનની જે ઝાંખી થઈ તે હરિલાલ લેખકના જીવનની મોટી મૂડી બની રહી."
"લેખકના ફૈબાએ તેના સર્જનમાનસને ઘડવામાં અનેરું યોગદાન આપેલ છે ન્નયારે હરિલાલ ઉપાઘ્‍યાય વધુ અભ્‍યાસ અર્થ મકાજી મેઘપરમાંથી પડધરીની પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં દાખલ થયા એ સમયે તો મૂળ વતનના ગામમાં તો અભ્‍યાસની સુવિધાનો અભાવ એટલે એમના બાળવિધવા ફૈબા ભત્રીજા હરિલાલને સાથે લઈ ગયા અને પડધરીમાં અભ્‍યાસ કરાવ્‍યો. તેના ફૈબા દરણા દળતા જાય અને સાથે સાથે કેટલીક પ્રેરક વાતો, વાર્તાઓ લોકગીતો સંભળાવતા જાય અને હરિલાલનું માનસ એ બધું ઝીલે, તેમાંય વાર્તાઓ અને લોકગીતો આકંઠ ઝીલી લીધાં જેનો પ્રભાવ તેના વ્‍યક્‍તિતત્‍વને વિકસાવવામાં મહત્ત્યવનું યોગદાન આપે છે." ૧૦
"લેખકના સર્જક વ્‍યક્‍તિતત્‍વને ઘડવા માટે પછીનું મહત્વનું પરિબળ તેમના પ્રાથમિકશાળાના વિદ્યાગુરૂ પોપટલાલ માસ્‍તર અને હીરજી માસ્‍તર છે. જેમણે શિક્ષણની સાથે-સાથે એ સમયના સમાજજીનની પ્રેરક કથાઓ અને મેલાવડાઓ માટે હરિભાઈને વિવિધ પ્રવૃત્તિમાં જોડતા રહ્યા. કવિતા લેખન, ભજન રજૂઆત કરવા, લોકગીતો-દૂહા-છંદ વગેરેની રજૂઆતમાં પણ લેખકને ઘડતા ગયા. જેના પરિણામે હરિલાલ ઉપાઘ્‍યાયને અનેક સન્‍માનપત્રો અને પ્રમાણપત્રો રોકડ પૂરષ્‍કાર પણ મળેલા." ૧૧
"ત્‍યારબાદ જામનગરની સંસ્‍કૃત પાઠશાળાનો અભ્‍યાસ તેમના વ્‍યક્‍તિત્‍વ વિકાસમાં ઘણો ભાગ ભજવે છે. લેખક બ્રાહ્મણ જ્ઞાતિના હતા એટલે યજમાન વૃતિ માટે કર્મકાંડનું શિક્ષણ પેઢીગત પરંપરા જાળવવા માટે જરૂરી હતું. તેથી ચાર ધોરણ સુધીનો અભ્‍યાસ અધૂરો મૂકી જામનગરની રાજય સંસ્‍કૃત પાઠશાળામાં કર્મકાંડ અને બ્રાહ્મણ ઉપયોગી ગ્રંથોનો અભ્‍યાસ ત્‍યાં કરે છે. અને ત્‍યાંથી ધીમે-ધીમે ખાસો એવો સાહિત્‍યપીંડ બંધાવાની શરૂઆત થાય છે. અને સરસ્‍વતીને વંદન કરી કલમ ઉપાડે છે ત્‍યાર પછી તો તે જે ઘટનાઓ નજર સામે જોતા તેને પોતાની નોંધપોથીમાં ટપકાવતા અને તેમાં સાહિત્‍યના જુદા જ રંગો પૂરીને વાચક સમક્ષ મૂક્‍તા. જેમાં ખાસ કરીને તેમનું કવિ માનસ જાગૃત થયું. એ સમયના ખેડૂતો અંગે, એના પરિવારજીવન અંગે સૌપ્રથમ એમણે કાવ્‍ય બનાવેલું." ૧ર
"પાઠશાળાના અભ્‍યાસકાળ દરમિયાન જામનગરના ત્ર્યંબકરામ શાસ્‍ત્રી તેના પ્રેરક રહ્યા. એમની પાસેથી સાંભળેલી વાતોને પણ તેમની કથામાં સાંકળી તેમજ જામનગરના સમાજજીવન અને ઈતિહાસ અંગે પણ ઘણી નોંધ તૈયાર કરેલી જે તેમને વધુ લેખન તરફ લઈ જાય છે." ૧૩
"પાઠશાળાનો અભ્‍યાસ પૂર્ણ થયા પછી વતન મકાજી મેઘપરમાં આવ્‍યા અને લગ્નગ્રંથિથી જોડાયા એ સમય દરમિયાન તેનું મન ગ્રામ્‍યવિસ્‍તારમાં ગુંગણામણ અનુભવતું હતું કંઈક સર્જન કરવાનો તરવરાટ તેમનામાં ઉદ્‌ભવી રહ્યો હતો. એવી પરિસ્‍થિતિમાં ચારણમિત્રો, ક્ષત્રિય યજમાનો અને મકાજી મેઘપર, રોજિયા અને ધૂનાના ગામમાં ડાયરાઓમાં નોંધતા રહ્યા ને તેમાંથી વર્ષો પછી ચંદ્રવંશ ગ્રંથાવલિની અંદર એ સામગ્રીને ઈતિહાસના જીવંત સાક્ષી તરીકે નોંધી છે." ૧૪
‘‘વજુભાઈ શુક્‍લ સાથેની મુલાકાત હરિલાલને ઘણી ઉપકારક બની રહે છે. હરિલાલ ઉપાઘ્‍યાયને વાંચન લેખનનો શોખ ઘણો વધારે હતો. તેઓ વીરરસથી સભર ‘તાન્‍યા' નામનું કાવ્‍ય લખે છે અને વજુભાઈ તે કાવ્‍ય મુંબઈ લઈ ગયા અને પ્રસિદ્ધ પત્રકાર અમૃતલાલ શેઠને વંચાવ્‍યું હરિભાઈની લેખનશક્‍તિ જોઈને અમૃતલાલ શેઠે મુંબઈના અનેક સાહિત્‍યકારોનો પરિચય તેમને કરાવ્‍યો. 'જીવનછાંયા' કૃતિનું લેખન માટે ક.મા. મુનશીએ લેખકને ભારે પ્રોત્‍સાહન આપ્‍યું. ‘જીવન છાયાં'ની પ્રસ્‍તાવના લીલાવતીબેન મુનશીએ લખી આપી અને હરિલાલને નિયમિત લેખન માટે પ્રેર્યા. આ પરિબળ તેના સર્જક વ્‍યક્‍તિતત્‍વને ઘડે છે. એ પછી જોત જાતામાં મુંબઈના પ્રસિદ્ધ અખબારોમાં તેની વાર્તાઓ અને ધારાવાહિક કથાઓ છપાવા લાગી. જે હરિલાલને વધુ લેખન કરવાની પ્રેરણા પુરી પાડે છે." ૧પ
"મુંબઈ વસવાટ દરમિયાન તેના ઘડતરમાં રવિભાઈ મહેતા (જન્‍મભૂમિના કાર્યકર) સાથેની મુલાકાત ભારે રંગ લાવે છે. એમની સાથે અવાર નવાર મુલાકાતો કરી ગૂઢ રહસ્યોની ચર્ચા કરી. આ દરમિયાન મુંબઈમાં 'કિસ્‍મત' માસિકના તંત્રી ઉષાકાંત પંડયાના પરિચયમાં આવતા ચાર દાયકા સુધી 'કિસ્‍મત'માં લખતાં રહ્યા. જેમાં ખાસ તો અગમ્‍યવાદ, કિસ્‍મતના સિતારા કોલમ અતિ લોકભોગ્‍ય બની. જેના કારણે તેની સર્જન પ્રવૃત્તિ વધારે બળવતર બનતી ગઈ. ‘રક્ષા' માસિકનું સંપાદન સંભાળ્‍યા પછી ચૂનિલાલ મડિયાના ‘રૂચિ' માસિકમાં તેઓએ કેટલીક પ્રયોગશીલ નવલિકાઓ આપી." ૧૬
"મુંબઈના વસવાટ દરમિયાન ઘણાબધા સાહિત્‍યમિ ો સાથે ખાસ વિશેષ સામાજિક નવલકથાઓના વિષયવસ્‍તુની ચર્ચાઓ કરતા જેના પરિપાક રૂપે 'નથી સુકાયા નીર', 'સુખ સવાયા થાય', 'અંજલિ', 'એક ભલો સપુત' જેવી કથાઓના સર્જનામાં મુંબઈગરા મિત્રોની દોસ્‍તી રંગ લાવી છે." ૧૭
"૧૯૬૦માં સર્જક પોતાના વતન જેવા પડધરીમાં સ્‍થિર થયા અને મૃત્‍યુ પર્યંત પડધરીના આત્‍મીય દોસ્‍તોના નાતે કાયમી રાત્રિ બેઠકમાં પાડોશી ઓધવજીભાઈ મહેતા, શિવલાલભાઈ ગાંધી, બચપણના મિત્ર દીપચંદભાઈ ગારડી, સ્‍નેહી મિત્ર મોહનભાઈ વેકરીયા, પૂત્રવત નટુભાઈ કટારીયા, મકાજી મેઘપરના સહનિવાસી અમૃતભાઈ દવે, કવિ મનુભાઈ રાવલ, નાતાદાર જટુભાઈ જાડેજા વગેરેને મળતા અને ચર્ચાઓ કરતા. જે હરિલાલ ઉપાઘ્‍યાયના વ્‍યક્‍તિતત્‍વને ઘડનારા પરિબળો બની રહે છે. આમ પાઠશાળા જેવા અંગતમિત્રો, સ્‍નેહી સંબંધીઓ, વતનના વ્‍હાલા યજમાનોએ કોઠાસૂઝભરી જે વાર્તાઓ અને વાતો કરી તેના પરિપાક રૂપે 'સૌરાષ્‍ટ્રની વીરગાથા' મળે છે." ૧૮
"વિશાળ ગ્રંથાલયોનો લાભ તેના વ્‍યક્‍તિત્‍વને પોષક બને છે. કુટુંબની જવાબદારીને કારણે વતનથી દૂર કમાવા તો ગયા પણ આર્થિક સમૃદ્ધિને બદલે સાહિત્‍યક સમૃદ્ધિ માટે વિશાળ ગ્રંથાલયોનો લાભ મળ્‍યો અને સાથોસાથ વિદ્વાનોની દોસ્‍તી અને કલમમિત્રો મળ્‍યાં. જેની જ્ઞાન પ્રસાદી ૧૯૬૦થી માંડી જીવન પર્યંત કયાંકને કયાંક તેના ઘડતરમાં ઉપયોગી રહી." ૧૯
"તેના મોટાબાપુ ભવાનીશંકર દાદાનું વિશેષ યોગદાન હરિલાલ ઉપાઘ્‍યાયના ઘડતરમાં રહ્યુ છે. ખાસ કરીને સંગીતની રાગરાગિણીની ઉંડી સમજ તેમની પાસેથી મેળવે છે. આજે સંગીતની રકર્ડ સચવાયેલી છે." ર૦
આમ હરિલાલ ઉપાઘ્‍યાયના સર્જક વ્‍યક્‍તિતત્‍વને ઘડવામાં અનેક પ્રસંગો, વ્‍યક્‍તિઓ વગેરેએ પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે ફાળો આપેલો છે. લેખક અનેક કપરી પરિસ્‍થિતિઓમાંથી પસાર થયા છે. કેટકેટલી આર્થિક મુશ્‍કેલીઓમાંથી પસાર થયા છે. લેખકને જયોતિષ, વૈદિક અઘ્‍યયન, ભાગવતકથા, પંચાંગ પરંપરા અને વેદ અઘ્‍યયન પરંપરામાં વગેરે ક્ષેત્રે તેના ઘડતરમાં પડધરીના રેવાશંકર શાસ્‍ત્રી, જામનગરના વાસુદેવભાઈ શાસ્‍ત્રીનો ફાળો નોંધપાત્ર છે. આ બધાને કારણે હરિલાલ ઉપાઘ્‍યાયનું સર્જક વ્‍યક્‍તિત્‍વ ઘડાયું હતું.
 
ર.પ) ઉપસંહારઃ
ક.મા. મુનશી એવોર્ડથી સન્‍માનિત સર્જક હરિલાલ ઉપાઘ્‍યાય ગુજરાતી ભાષાને સાહિત્‍યનો મીઠો રસરૂપી ફાલ આપનાર ઉત્તમ વ્‍યક્‍તિ હતા. લેખકનું એક મહત્વનું પાસું એ હતું કે જયારે તેઓ ઈતિહાસને ઉજાગર કરતી કૃતિ લખતા ત્‍યારે કલમ ચલાવતા પહેલા ઐતિહાસિક સ્‍થળની મુલાકાત તેમજ વ્‍યક્‍તિતગત અભ્‍યાસુઓની મુલાકાત લેતા. એમની 'રણમેદાન', 'તાતી તલવાર', 'જય ચિત્તોડ' વગેરે ઐતિહાસિક નવલકથાઓમાં વિષયવસ્‍તુની માવજત અને ઈતિહાસ પ્રત્‍યેની વફાદારીની બાબતમાં તો મુનશી અને ધૂમકેતુની યાદને તાજી કરાવી આપે છે.
આમ સર્જક હરિલાલ ઉપાઘ્‍યાય આપસૂઝથી ગ્રામ્‍યવિસ્‍તારમાં એકાંત ખૂણે બેસીને વિપુલ જનપ્રેરક સાહિત્‍ય આપે છે.
 
સંદર્ભ સૂચિ
Yet to be placed here...
૧. ફૂલછાબ તા. ર-૧૦-ર૦૦૯ શુક્રવાર, રાજકોટ
ર. યોગમંજરી - હરિલાલ ઉપાઘ્‍યાય
૩. એજન
૪. યશંવત ઉપાઘ્‍યાય સાથેની મુલાકાતના આધારે
પ. ગુજરાત સમાચાર 'દૈનિક પેપર' ૧૬/૯/૧૯૯૦
૬. યશવંત ઉપાઘ્‍યાય સાથેની મુલાકાતના આધારે
૭. હરિલાલ ઉપાઘ્‍યાયની કાવ્‍ય રચનાઓમાંથી
૮. લેખકની ૯૧મી જન્‍મજયંતિ નિમિતે અભિપ્રાય આપતા. શંકરભાઈ સોમાભાઈ તડવી
૯. મકાજી મેઘપરના દૃષ્‍ટા યશવંતભાઈ ઉપાઘ્‍યાયે સ્‍થળદર્શન કરાવી પડધરીના હરિલાલ ઉપાઘ્‍યાયના ઉતરાવસ્‍થાના વતનની મુલાકાત દરમિયાન આપેલ સંદર્ભના આધારે
૧૦. એજન
૧૧. એજન
૧ર. એજન
૧૩. એજન
૧૪. એજન
૧પ. એજન
૧૬. એજન
૧૭. એજન
૧૮. એજન
૧૯. એજન
ર૦. એજન
 
 

This site is dedicated as Online Tribute To The Greate Gujarati Author - Late Shri Harilal Upadhyay .

 
Glimpses of Late Shri Harilal Upadhyay's journey in his own words,
"YOG MANJARI (યોગ મંજરી)".
This semi-biographical, inspirational tale was published as a series of 28 chapters in "Kismat magazine" during 1985-1986.
Valid XHTML 1.0 Transitional Valid CSS! Research Essay | Chapter 2 | Chapter 3 | Chapter 4 | Chapter 5
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements  
Media | In Memories... | Disclaimer | Feedback | Sitemap
© Jiten Upadhyay , Webmaster E-mail: jiten [at] harilalupadhyay.com